ચરોતર વિભાગ ની સંસ્થા વિશે

ચરોતર વિભાગ ની સંસ્થા વિશે

શ્રી વાલમ બ્રાહ્મણ જ્ઞાતિ સેવા મંડળ, વડોદરા

ચેરિટી નંબરખેડા A 2144 તા. 10-1-67 સાંસ્કૃતિક સંકુલ, હરણી-હાલોલ રોડ, વડોદરા- 380 022

વાલમ બ્રાહ્મણ જ્ઞાતિ સેવામંડળ-વડોદરા મુખ્યત્વે ચરોતરના મૂળ નિવાસી વાલમ બ્રાહ્મણોના શુભકલ્યાણ માટે કાર્યરત રહેલી સંસ્થા છે. મહદ્ અંશે જ્ઞાતિ, સમાજના મૂળભૂત ભાગ રૂપે રહીને જ્ઞાતિ, સમાજના અંગરૂપ સાથ, સંપર્ક અને સહકારથી સેવાકાર્યો કરે છે. આ સંસ્થા સરકારી કાયદા મુજબ ચેરિટેબલ નંબર ધરાવે છે અને પ્રતિ વર્ષ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે તેની તમામ આવક જાવકના હિસાબો તપાસીને જાહેર જનતા સમક્ષ રજૂ કરે છે. આ ઉપરાંત અત્રે સદર સંસ્થાનો પૂર્વ ઈતિહાસ અને વિગતો-બનાવો વગેરે પણ જાહેર કરતાં આનંદ અનુભવીએ છીએ. જ્ઞાતિ સેવાક્ષેત્રે સેવામંડળે કેટલાક અગત્યનાં સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે, જેમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ કે લોન આપીને, જરૂરીયાતવાળાં વિધવા બહેનોને માસિક ખર્ચ પેટે નિયમિતરૂપે રોકડ રકમ આર્થિક મુશ્કેલી વેઠતાં કુટુંબોને ધાર્મિક યાત્રાઓના ખર્ચ પેટે રકમની ચુકવણી વળી આરોગ્ય માટે થતા દવાના ખર્ચમાં રાહત પેટે દરદીઓએ કરેલા તેમજ ખાદ્ય ચીજવસ્તુઓના ખર્ચનાં બિલોની ચકાસણી કર્યા બાદ રકમ અપાય છે. આ તમામ ખર્ચ વ્યક્તિ કે કુટુંબનું ગૌરવ સચવાય તે માટે ખાનગી રાહે નામ, ઠામ પ્રસિદ્ધ કર્યા વગર આપવામાં આવે છે. જ્ઞાતિજનોના શુભ સહકારના સહયોગ દ્વારા સેવામંડળના સભ્યો આ કાર્ય કરે છે. આ સંસ્થા મૂળ ચરોતરના વા. બ્રાહ્મણોનાં સેવાકાર્યો દ્વારા યોગદાન આપે છે. હાલમાં સન 1982માં ઉદ્ભવેલા જ્ઞાતિ સંકુલ માટે યથાયોગ્ય ફાળો એકત્રિત કરીને શ્રદ્ધા અને વિશ્વાસની મજબૂત મૂડીના આધારે સંપૂર્ણતાને આરે લગભગ 60 લાખ જેવી માતબર રકમની સ્થાવર મિલકત ધરાવતું સંકુલ જ્ઞાતિસેવા ક્ષેત્રે બેનમૂન કાર્ય કરે છે. તેના હાલના પ્રમુખ અને અન્ય કાર્યવાહક સભ્યો ઉત્સાહભેર કાર્યો કરે છે. તેની સંપૂર્ણ નોંધ મંડળની ઓફિસેથી અવશ્ય મળી શકે છે. આમ તો જ્ઞાતિસમજ માટે આવશ્યક સ્થાવર મિલકતમાં એક હોલ અને તેની વ્યવસ્થા માટે એક ઓફિસ હોવી જરૂરી ગણાય અને તે માટેનો વિચાર અમલમાં મૂકવા માટે સન 1983માં પ્રથમવાર પ્રયાસ શરૂ કરેલો. તે વખતના સમય સંજોગોમાં આ એક દિવાસ્વપ્ન સમાન હતું અને તેને પાર પાડવામાં સમય, શક્તિ અને આર્થિક બાબતો જેવી અગત્યની વાત સર્વના દિલદિમાગમાં ખટકતી હતી. વળી દાનનાં નાણાંની યોગ્ય વ્યવસ્થા અને તેના બાંધકામમાં આવતી અસંખ્ય અડચણો મધ્યે કદાચ વાલમ જ્ઞાતિના સમગ્ર સમયગાળામાં સૌથી મોટા આયોજનને દેશ-વિદેશ વસતા વાલમ જ્ઞાતિજનોનો અપૂર્વ સહકાર અને પ્રેમ મળ્યાં અને સમય સમય પર દાનનો એક અખંડ પ્રવાહ પ્રાપ્ત થતો ગયો. ભાનુભાઈ શુક્લ, હરિપ્રસાદ ગોર તથા અન્ય ઉત્સાહી કાર્યકર્તાઓનો સુંદર સાથ મળ્યો અને પરિણામે વિશાળ હોલ, અતિથિગૃહ, ઘરડાં ઘર અને ઓફિસના નિર્માણનું ધારેલું કાર્ય પરિપૂર્ણ થયું અને આ સમગ્ર બાંધકામ દરમિયાન જ્ઞાતિજનોનાં રચનાત્મક સૂચનો આચરણો અને સાથ સહકાર મળ્યો એ વાત નિઃસંદેહ સાચી છે. હા, ક્યાંક કેટલીકવાર ક્ષતિયુક્ત આચરણો થયાં પણ ખરાં છતાંય આખરે સંકુલનું કાર્ય ઈશ્વરકૃપાથી પાર પડ્યું. શ્રી વાલમ બ્રાહ્મણ જ્ઞાતિ સેવામંડળે સમગ્ર સંકુલ જ્ઞાતિને ચરણે પ્રદાન કર્યું એ ખરેખર એક આદર્શ અને ઉપયોગી યોગદાન ગણાય.

 

 

Website માં રજીસ્ટર થયા બાદ આપ રજીસ્ટર થયેલા સભ્યો ની માહિતી જોઈ શકો છો. એક બીજા નો સંપર્ક કરી શકો છો. વાલમ સમાજ વિષે માહિતી મેળવી શકો છો. વાલમ વર્તમાન/  વાલમ સંદેશonline વાંચી શકો છો. આપણા વિચારો સમાજ મા વ્યક્ત કરી શકો છો. આપણા સુખ દુખ ના સમાચાર સમાજ માં મુકી શકો છો. અને ઘણું બધું.........