વાલમ બ્રાહ્મણ સમાજ વિશે

વાલમ બ્રાહ્મણ સમાજ વિશે

ચરોતર વાલમ બ્રાહ્મણ  સમાજ

    વાલમકુળની કુળદેવી વાઘેશ્વરીમાતા છે. ગુજરાતમાં સર્વત્ર છૂટોછવાયો વસેલો વાલમસમાજ સ્વયંભૂ રીતે અન્ય મોટી કોમોના આશ્રય તળે પોતાની આજીવિકા માટે ક્રિયાકાંડ, ધાર્મિક પ્રસંગોએ યજમાનવૃત્તિ પર ટકેલો તેમજ શિક્ષણ આદિ કાર્યોમાં વ્યક્ત સમાજ તરીકે પોતાની ઓળખ ઊભી કરી જીવનનિર્વાહ કરી લેતો સમાજ ગણાતો. પરંતુ વીસમી સદીના પ્રારંભથી ગતિશીલ પગલાં લઈ, ત્યારના યુવાન વાલમોએ ધીરેધીરે વિદેશ વસવાટ અને નિશ્ચિત રીતે સમજદારી દાખવી. પહેલા ઈર્ષા અને અદેખાઈ તેમજ ગરીબી અને રોગચાળામાંથી મુક્ત રીતે વર્તી શકતા નહોતા.    

             મૂળમાં મધ્યગુજરાત ચરોતરના વાલમો ગ્રામવિસ્તાર જેવા કે વસો, સોજીત્રા, કરમસદ, મોગર કે સાવલી, ઉત્તરસંડા (દેવા, ચાંગા જેવા વિસ્તારોમાં વસતો સમાજ હતો. ધીરેધીરે મહેનતુ કે ભાઈચારામાં વસતા ઉદાર સમાજ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરતા થયા અને વીસમી સદીમાં પરિવર્તનનો નવો પવન વૈજ્ઞાનિક શોધો તથા શૈક્ષણિક તકોનો ઉપયોગ કરી ઉદારતાથી સર્વના વિચારોમાં સુમેળ સાધતા ગયા. ધીરેધીરે જૂની પારંપરિક પરંપરા નામશેષ થતી ગઈ. સમાજમાં થોડા પણ તેજસ્વી વાલમ યુવાનોએ આધુનિક દૃષ્ટિ અપનાવતાં અન્ય યુવાનોમાં જાણે પરદેશ તરફ જવાની પાંખો આવતી ગઈ. કેટલાક વ્યક્તિગત કે કૌટુંબિક રીતે ગ્રામવિસ્તાર ત્યજીને મોટાં શહેરો પૈકી વડોદરા, મુંબઈ, મદ્રાસ, કોલકત્તા, બેંગલોર વગેરે તરફ વળતા ગયા તેમાંય ઘણાં યુવાનો, તનતોડ મહેનત કરીને સ્થિરતા પ્રાપ્ત કરી સમૃદ્ધિ પાછળ દોટ માંડી. ઉપરાંત પોતાના વતનમાંથી અન્ય લોકોને પોતાની સાથે બોલાવીને ભણાવવા કે કમાવા માટે વિકાસશીલ પગલાં પણ ભરવા માંડ્યે. ધીરેધીરે વિકાસ સાધતા ગયા. ત્યારબાદ સમાજ કે સમષ્ટિ માટે પણ વિકાસકાર્યો કરતા ગયા. ન્યોછાવરી, કુટુંબ કે સામાજિક ભાવના, સંવેદનશીલતા વિસ્તૃત કરીને વિકાસ સાધતા ગયા.   

         સૌ પ્રથમ વ્યક્તિવિકાસ, પછી કુટુંબવિકાસ અને પછી સમાજવિકાસ માટે આપોઆપ કાર્યરત બનેલો વાલમસમાજ સંગઠિત થતો ગયો. ગામેગામ વાલમ બંધુઓ પોતાની વાડીઓ ઊભી કરી તેમાં વસો, સોજીત્રા, કરમસદ, મોગર, સાવલી જેવાં કસબાનાં ગામોમાં ગામને અનુકૂળ જરૂરિયાતો પૂરી પાડતી વાડીઓ દ્વારા સામાજિક ઉત્થાન પામતા ગયા અને ગામની બહાર વસતા કે ધંધા રોજગાર કરતી વ્યક્તિઓ પ્રસંગોપાત ઉદાર હાથે દાન ઉઘરાવી પોતાના ગામની સંસ્થાઓને સમૃદ્ધ કરવા માંડ્યા, પરિણામે સારા કે માઠા પ્રસંગોએ સમસ્ત સમાજ તેનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરતા રહ્યા. વાલમસમાજમાં ઉપરછલ્લી એકતા નહીં પણ વ્યવસ્થિત રીતે એકતા, ભાઈચારો અને સમાજ માટે કાર્ય કરવાની સ્વયંભૂ ભાવના કાર્યરત થતી ગઈ. વ્યક્તિગતથી માંડી સમાજના પ્રત્યેક સ્તર સુધી ભાવનાથી એકરૂપતા અને જ્ઞાતિભાવના વિકસિત થતી ગઈ. દીકરા-દીકરીના લગ્નપ્રસંગોમાં, ફ્લ્યુ કે અન્ય રોગોના ઉપચાર માટે નાણાંકીય તંગી અનુભવતા લોકો માટે ફાળ મળતો ગયો. ઉપરાંત કેળવણી માટે ફંડો ઊભાં કરી સમાજને સોંપતા ગયા. ફક્ત દીકરાની કેળવણી માટે નહીં કન્યા કેળવણી માટે પણ અભૂતપૂર્વ કાર્ય કર્યું, તેથી સામાજિક સ્તર આપોઆપ વિકસિત થતું ગયું

      – વિકાસશીલ થવું વાલમસમાજ માટેનો પર્યાય જીવનમંત્ર બનતો ગયો. આજે સમગ્ર વિશ્વમાં વસતા વાલમો માટે એક કુળદેવીને માનતો સમાજ સંગઠિત થઈને સાથ અને સહકાર સાધી પ્રગતિ કરતા રહ્યા છે. વીસમી સદીના વાલમો તેથી તો બૃહદ સમાજમાં મોભાદાર જીવનશૈલી અપનાવી શક્યા છે. વાલમો માને છે We for Victory, આંગળીને વેઢે ગણી શકાય તેટલી સંખ્યાનો સમાજ આજે ઉન્નત મસ્તકે સ્વનિર્ભર બની જીવન જીવતો સમાજ બની ગયો છે, તેમાં નિઃસંદેહ કોઈ શંકા નથી. ઉન્નત જીવન જીવતા વાલમોનું વિકાસમય થવાનું રહસ્ય વિચારશીલ કે પ્રગતિમય બનતા સમાજનું સીમાચિહ્ન બની ગયું છે.